Categories
Book Gujarati books

જીવનપગલે (Jivan Pagle)

બે બોલ

જીવન પગલે’ મૂળ તા લખનારે પોતાના અનુભવની વાનગીરૂપે સ્વજનને, તેમની જીવન-સાધનામાં માર્ગદર્શક થઈ પડે એ હેતુથી છૂટક છૂટક લખી હતી. એ સ્વજનો પણ “વૃત્તિ સળવળેલી છે, જિજ્ઞાસા  ની જરા તરા”  એવા હોવા છતાં ઉમરમાં લેખકના કોઈ વડીલ તો કોઈ જીવનસાથી છે. આ કારણસર સ્વજનોને’ સંબોધન પહેલું મૂકવામાં આવ્યું છે, અને એવાં સંબોધન ક્યાંક ક્યાંક બીજે ઠેકાણે પણ આવે છે. આમ કેવળ આંતરતૃષા છિપાવવા અને વધારવા માટે જ આમાંનું સર્વ કંઈ સ્વજનોને લખાયેલું છે.

તેઓ જીવન-પંથે આગળ ધપવાની ઉત્કંઠાવાળા હેાવાથી તેમણે લેખક સાથે સબંધ સાંધ્યો અને તેમનો પાસેથી આમાં છપાયેલું સર્વ  કંઈ લખાણ મેળવ્યું. નિત્યના જીવન–વ્યવહારમાં જ રહીને જીવનને ઉન્નત કરવાની યેાગ્ય સૂચનાઓ આપનારું આ બધું લખાણ તેમને લાગ્યું; એટલે તે આમાંનુ કેટલુ તો જાતે લખાવીને આપ્તવર્ગમાં વહેંચતા હતા. પછી, આ બધું છપાય તે ધણાંને કામ લાગે એવી તેમને સ્ફુરણા થઇ. તેમની આ ભાવનાને પોષણ ને મૂર્તસ્વરૂપ આપનાર શ્રી. મનુ સૂબેદાર મળી ગયા; એ કારણસર તેમના અને શ્રી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના આભાર માનું છું.

હરિજન આશ્રમ, સાબરમતી                                                                                                                       હેમંતકૃમાર ગુણાભાઈ નીલકંઠ

તા. ૦૧-૧૦-‘૪૪

Categories
Book Gujarati books

જીવનગીતા (Jivan Geeta)

નિવેદન

 સને ૧૯૩૨માં વિસાપુર જેલમાં પ્રથમ વખત શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા પૂજ્ય શ્રીમોટાના વાંચવામાં આવી. દરેક અધ્યાયને એકથી વિશેષ વખત વાંચી જતા. તે પછી તેના હાર્દને પકડી સમશ્લોકી ભાષાંતર તરીકે નહિ પણ ગીતાના તત્ત્વજ્ઞાનને સરળ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ તરીકે અનુષ્ટુપ છંદમાં તેઓ રચતા ગયા. આ પ્રકારે જીવનગીતા’ રચાઈ છે.

પૂજ્ય શ્રી ગાંધીજીનું વ્યક્ત મંતવ્ય હતું કે આપણું ગુજરાતી સાહિત્ય સરળ અને ‘કોશિયો’ સમજે એવું હોવું જોઈએ. પૂજ્ય શ્રીમોટાને આ કથન સ્વીકાર્ય હતું. ઉપરાંત, તેમના ગુરુમહારાજે પણ જે તે લખાણ સરળ ભાષામાં લખવા કહેલું. અભણને પણ આ જીવનગીતા’ સમજાય છે કે કેમ તે જાણવા સૌ પ્રથમ પોતાનાં માતુશ્રી સૂરજબાને પૂજ્ય શ્રીમોટાએ આ રચનાનો કેટલોક ભાગ વાંચી સંભળાવ્યો હતો અને તેમનાં બાએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે તેઓને એ લખાણ સમજાય છે.

તાત્પર્ય કે આ જીવનગીતા’ની રચના સરળ ભાષામાં થઈ છે. પૂજ્ય શ્રીમોટાનાં સ્વજનોમાં તેમ જ જિજ્ઞાસુ ગુજરાતી ધર્મપ્રેમીજનોમાં પણ એ સ્વીકારાઈ છે. અત્યાર સુધીમાં તેની બારેક હજાર નકલ વેચાઈ ગઈ છે. હાલમાં આ પ્રકાશનની કોઈ પ્રત પ્રાપ્ય નથી. સ્વજનોમાં તેની સતત માંગ રહે છે, તેને ધ્યાનમાં રાખીને આ આઠમી આવૃત્તિનું પ્રકાશન ૧૩ વર્ષ પછી કરતાં અમો ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.

ખાસ ઉલ્લેખ કરવાનો કે અગાઉની આવૃત્તિઓમાં અનેક શ્લોકોમાં પૂજ્ય શ્રીમોટાએ જે જે નવી કડીઓ ઉમેરી હતી, તે ફૂટનોટ તરીકે જે તે પાનાંની નીચે છપાઈ હતી. તે તમામ કડીઓને તેમના યોગ્ય લગત સંદર્ભે આ પ્રકાશનમાં સમાવાઈ છે. તેથી, વાંચવામાં સળંગતા અને સરળતા જળવાઈ રહેશે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્‌ભાવથી અને ચોકસાઈપૂર્વક શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઇટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને સદ્‌ભાવથી છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિષ્ણુભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ, તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

અમોને આશા અને શ્રદ્ધા છે કે આ પ્રકાશનને પણ અગાઉનાં પ્રકાશનોની જેમ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓ આવકારશે.

તા. ૨૯-૭-૨૦૦૭                                                                                                                                                                   ટ્રસ્ટીમંડળ,

ગુરુપૂર્ણિમા                                                                                                                                                               હરિઃૐ આશ્રમ, સુરત. .

Categories
Book Gujarati books

હૃદય પોકાર (Hraday Pokar)

આમુખ

સંસ્કૃતમાં મહિમ્નઃ વગેરેનું એક અનોખું સ્તોત્ર સાહિત્ય છે અને ભક્તહૃદયોએ તેમ જ સહૃદયોએ એ સાહિત્યને હંમેશાં સત્કાર્યું છે. એ જ વર્ગમાં આવતું આ કાવ્ય હૃદયપોકાર પણ આવકારને પાત્ર છે.

એમાં ભાષાની છટા, છંદનું લાલિત્ય કે અલંકારોની સુભગતા ભલે ન હોય, એની આવાં કાવ્યોમાં અનિવાર્ય જરૂર ગણાય પણ નહિ, પણ એમાં સરળ ભક્ત હૃદયના સાચી ઊર્મિભર્યા ઉદ્‌ગારો છે એ તો સ્પષ્ટ જ છે. કર્તાનું હૃદય ભક્તનું છે અને એ ભક્તહૃદય ભજનીયને ભક્તિપ્રધાન જ્ઞાનની નજરે જુએ ત્યારે જે સરળતા, જે સમર્પણ, જે તનમનાટ, જે દૈન્ય અને છતાં જે અમાપ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ નીપજવો જોઈએ તેનું પ્રતીક આ ભક્તિકાવ્યના જુદા જુદા મુક્તક જેવા શ્લોકોમાં મળે છે. આ મુદ્દો શ્રી નીલકંઠે પોતાની પ્રસ્તાવનામાં સદૃષ્ટાંત સુંદર રીતે ચર્ચ્યો છે, અને એમાં જ આ કાવ્યની ધન્યતા છે. ભક્તિભાવભર્યા સરળહૃદયી લોકમાનસને આ કાવ્ય રુચશે એમ ખુશીથી કહી શકાય.

તા. ૩-૧૧-૧૯૪૪                                                                                                                                                       ડોલરરાય આર. માંકડ